VicksWeb upgrade Location upload ads trending
VicksWeb ભારત

માટે આપનું સ્વાગત છે VicksWeb

Flag Counter
કર્ણાટકમાં શક્તિ પ્રદર્શન : કુમારસ્વામીની તાજપોશીમાં વિપક્ષની એકતાથી મોદી અસહજ થઇ શકે
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:45

(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૩
જ્યારે બધા રાજકીય નાટકનો અંત આવી ગયો અને એચડી કુમાસ્વામીએ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે દિલ્હી સુધી સ્પષ્ટ રીતે આ મેળાવડા પાછળનો સંદેશ પહોંચી ચૂક્યો છે. શપથગ્રહણ સમારોહ એનડીએ વિનાના વિપક્ષ દ્વારા શક્તિ પ્રદર્શનમાં ફેરવાઇ ગયો હતો. કેરળના પિનરાઇ વિજયનથી પશ્ચિમ બંગાળના મમતા બેનરજી સુધીના રાજ્યોના મુખ્યમંત્રીઓ, યુપીએના પૂર્વ સાથીઓ તથા ત્રીજા મોરચા જેવા એનસીપી તથા સીપીઆઇએમના નેતાઓ કે જેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે એકજૂથ થયા હતા. આ યાદી ઘણી લાંબી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના માયાવતી, આઇયુએમએલના કુનહલ્લીકુટ્ટી અને શરદ યાદવ પણ મંચ પર હાજર રહ્યા હતા. વરિષ્ઠ પક્ષો ઉપરાંત નવી પાર્ટી સાથે રાજકારણમાં ઉતરેલા કમલ હાસન પણ હાજર રહ્યા હતા. હવે જ્યારે કેટલાક મહિના જ બાકી છે ત્યારે ૨૦૧૯માં જો આ વિપક્ષ પોતાની એકતા સાથે મેદાનમાં ઉતરે તો મોદી સરકારને અસર કરી શકે છે. કર્ણાટકનો કાર્યક્રમ આ વિપક્ષ માટે પાવરપ્લે બની શકે છે જ્યારે તેઓ ભૂતકાળ ભૂલાવીને એક મંચ પર આવી જાય. ફક્ત તેમણે એટલું જ વિચારવાનું છે કે, તેઓએ ફક્ત ભાજપ સામે લડવાનું છે. કોંગ્રેસે જે રીતે વધુ બેઠકો હોવા છતાં અને ચૂંટણી પ્રચારમાં જેડીએસની વિરૂદ્ધ પ્રચાર કર્યો હોવા છતાં તેને સમર્થન આપ્યું હોવાથી કેટલાક નિષ્ણાત એવું પણ માની રહ્યા છે કે, આ ગઠબંધન કદાચ લાંબુ ન ટકી શકે. જોકે આ બંને પક્ષોએ જાહેરાત કરી છે કે, તેઓએ આંતરિક મુદ્દા પાછળ રાખી કોમવાદી તત્વોને સત્તાથી દૂર રાખવા માટે ગઠબંધન કર્યું છે.


ધ્રાંગધ્રાની પાટીદાર મહાપંચાયત હાર્દિકની રાજકીય કારકિર્દી ઘટશે ખરી ?
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:43

અમદાવાદ,તા.ર૩
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે તા.ર૬ મેના રોજ પાસ દ્વારા પાટીદાર ન્યાય પંચાયતના નામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એટલે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવા હાર્દિકે અત્યારથી કમરકસી લીધી છે જો કે પાસના નેતા હાર્દિક પટેલ માટે આ મહાસંમેલન અતિમહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે. કેમ કે આ સંમેલનથી હાર્દિકનું રાજકીય ભવિષ્ય નકકી થાય તેવી શકયતા છે. તેથી આ સંમેલન થશે તો હાર્દિક પટેલને આગળ વધવાની તક મળશે અને જો પાટીદારો હાર્દિક સાથે નહીં આવે તો હાર્દિકને ટૂંક સમયમાં જ રાજકીય પક્ષની મદદ લઈને લોકસભાની ચૂંટણીમાં વર્ચસ્વ બતાવવાની તૈયારીઓ કરવી પડશે. સંમેલનમાં હાર્દિક પટેલ સાથે મોટી સંખ્યામાં પાટીદાર ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ પાટીદાર સંમેલન પાછળનો મુખ્ય હેતુ આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડી પાસને મજબૂત કરી ભાજપને પરાસ્ત કરવાનો જોવા મળી રહ્યો છે ત્યારે સંમેલન સફળ બને તે માટે પાસના કાર્યકરો દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિધાનસભામાં ભાજપે સત્તા જાળવી રાખતા પાસ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા આગવું આયોજન કરી રણનીતિ બનાવામાં આવી હોય અને તે માટે પાટીદાર પંચાયતના નામે સંમેલન બોલાવી પાસને મજબૂત કરવા માટેની શરૂઆત ધ્રાંગધ્રા મોટી માલવણમાંથી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદાર ઉપસ્થિત રહેશે. સંમેલન ઉપર ગાંધીનગરથી ચાંપતી નજર રાખવા માટે ગુપ્ત એજન્સીઓને કામે લગાડી દીધી છે અને નાનામાં નાની માહિતી એકત્ર કરાઈ રહી છે જો કે ધ્રાંગધ્રાનું પાટીદાર મહાસંમેલન હાર્દિકની રાજકીય કારકિર્દી ઘડશે કે પછી દરેક આંદોલનકારીની જેમ આંદોલન બાદ હાર્દિકને પણ લોકો ભૂલી જશે.


ગુજરાતી ભાષાના લાડીલા હાસ્યલેખક વિનોદ ભટ્ટની ચિર વિદાય
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:42

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને થોડા મહિના અગાઉ જ પત્નીના નિધન બાદ એકલતા અનુભવી રહેલા, સુવર્ણચંદ્રક સન્માનિત લેખક વિનોદ ભટ્ટનું ૮૦ વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ આજે સવારે તેમના નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધો હતો. વિનોદ ભટ્ટ લાંબા સમયથી કીડની અને ફેફસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી પીડાતા હતા. તેમની ઈચ્છા મુજબ તેમના દેહને દાન કરવામાં આવ્યું હતું. ૧૪ જાન્યુઆરી ૧૯૩૮ના રોજ ગુજરાતના દહેગામ નજીકના નાંદોલ ખાતે તેમનો જન્મ થયો હતો. ૧૯૫પમાં એસએસસી ઉત્તીર્ણ કર્યા બાદ ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા હતા. ત્યારબાદ એલએલબીની પદવી પણ મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ગુજરાતમાં ઉત્તમ હાસ્ય સાહિત્યકારોની શ્રેણીમાં આવતા વિનોદ ભટ્ટ ૧૯૯૬થી ૧૯૯૭ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ગુજરાતી ભાષામાં તેમણે અખબારી કલમ ઉપરાંત શુદ્ધ સાહિત્ય ક્ષેત્રે આપેલું યોગદાન નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાની સેવા કરતા લેખકો પૈકીના એક વિનોદ ભટ્ટને માનવામાં આવે છે. ગુજરાતી દૈનિકો અને મેગેઝિનોમાં આવતા તેમના લેખો ખૂબ જ મશ્હૂર થયા હતા. ખાસ કરીને મગનું નામ મરી અને ઈદમ તૃતિયમ તેમની જાણીતી કોલમો હતી. તેમણે પહેલું સુખ તે મૂંગીનાર, આજની લાત, વિનોદ ભટ્ટની અરહસ્યકથાઓ સહિત બે ડઝન જેટલા હાસ્ય પુસ્તકો ઉપરાંત ચરિત્ર પુસ્તકો અને સંપાદન પુસ્તકો આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર તરીકે તેમણે કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, રમણભાઈ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર જેવા ખ્યાતનામ એવોર્ડઝ પણ મેળવ્યા હતા. તેમના જીવન પર દસ્તાવેજી ફિલ્મ પણ બની હતી. આમ એક ઉત્તમ અને પ્રતિષ્ઠિત હાસ્ય લેખક તરીકે, ઉત્તમ આત્મકથા આપનારા લેખકના રૂપમાં, નિખાલસ વ્યક્તિ તરીકે, સાહિત્યિક સંસ્થાઓને ધબકતી કરનારા કર્મશીલ લેખન તથા લોકપ્રિય વક્તા તરીકે ગુજરાત વિનોદ ભટ્ટને સદા યાદ રાખશે.


રાજ્યમાં ચાલુ વર્ષની રેકર્ડબ્રેક ગરમી સુરેન્દ્રનગરમાં ૪પ.૭ર અને ડીસામાં ૪પ.ર ડિગ્રી
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:41

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૩
રાજ્યમાં આજે ચાલુ વર્ષની સૌથી વધુ ગરમીના રેકર્ડ સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૪૧થી ૪પ ડિગ્રી ઉપર તાપમાનનો પારો પહોંચી ગયો હતો. સુરેન્દ્રનગર ૪પ.૭ ડિગ્રી સાથે રાજ્યનું હોસ્ટેટ શહેર રહ્યું હતું જ્યારે ડીસામાં ૪પ.ર ડિગ્રી સાથે બીજા નંબરનું ગરમ શહેર રહ્યું હતું. હજી આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતા છે.
રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો. અમદાવાદમાં ૪૪.૬, ગાંધીનગરમાં ૪૪.૫, ડિસામાં ૪૫.૨, ઇડરમાં ૪૪.૬, અમરેલીમાં ૪૪, રાજકોટમાં ૪૪.૪, સુરેન્દ્રનગરમાં ૪૫.૭, ભુજમાં ૪૪.૨ અને કંડલા એરપોર્ટ ૪૪.૬ સુધી પારો પહોંચી ગયો હતો. બપોરના ગાળામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૫.૭ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત ડિસામાં પણ પારો ૪૫.૨ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં આજે પારો ૪૪.૬ ડિગ્રી રહ્યો હતો. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

ક્યા શહેરમાં કેટલું તાપમાન ?

સુરેન્દ્રનગર ૪૫.૭
ડીસા ૪૫.૨
અમદાવાદ ૪૪.૬
ઇડર ૪૪.૬
કંડલા એરપોર્ટ ૪૪.૬
ગાંધીનગર ૪૪.૫
રાજકોટ ૪૪.૪
ભુજ ૪૪.૨
અમરેલી ૪૪
કંડલા પોર્ટ ૪૨.૫
વડોદરા ૪૨.૪
મહુવા ૪૨.૨
વીવીનગર ૪ર.૦૦
નલિયા ૪૧


અમદાવાદીને પાર્કિંગ માહિતી મોબાઇલ એપ પરથી મળશે
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:40

અમદાવાદ,તા. ૨૩
મેગાસિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ શહેરને સ્માર્ટસિટી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. શહેરીજનોને સૌથી વધારે કનડતી સમસ્યા ટ્રાફિકની છે. શહેરમાં દરરોજ ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. અણધડ પાર્કિંગ વ્યવસ્થાના કારણે અનેકવાર જે તે કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ કે પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવા જગ્યા હોવા છતાં રોડ પર વાહન પાર્ક કરી દેવાય છે, જેને લઇ બહુ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે હવે અમ્યુુકો તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુચારૂ ઢબની પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડવા માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતગર્ત તંત્ર દ્વારા નજીકના ભવિષ્યમાં હવે મોબાઇલ એપથી નાગરિકોને આંગળીના ટેરવે પાર્કિંગની વ્યવસ્થાની જાણકારી પૂરી પડાશે. શહેરમાં હાલમાં ૭.પ૦ લાખ ફોર વ્હીલર, ર૮ લાખ ટુ વ્હીલર, ૧.રપ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લકઝરી બસ, ૩૦૦૦ માલવાહક ટ્રક આરટીઓમાં રજિસ્ટર્ડ થયાં છે. દૈનિક નવાં ૮૦૦ વાહનનું અમદાવાદમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યું હોઇ આગામી પાંચ વર્ષમાં નવાં ૧ર૭૭ લાખથી વધુ વાહન ઉમેરાશે. બીજી તરફ પિકઅવર્સ દરમ્યાન ઠેરઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો તોબા પોકારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમ્યુકો દ્વારા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા નવા બ્રિજ પ્રોજેકટ અમલમાં મુકાઇ રહ્યા છે. ફાટકમુક્ત અમદાવાદની ઝુંબેશ હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર ૧૬ અંડર પાસ બનાવવાનું આયોજન આગળ ધપાવાઇ રહ્યું છે. આની સાથે સાથે નવાં પે એન્ડ પાર્કની સુવિધા પણ ઊભી કરાઇ રહી છે. તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે ખાસ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે મુજબ આગામી દિવસોમાં સત્તાવાળાઓ નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાની જાણકારી તેમના મોબાઇલ પર આંગળીના ટેરવે પૂરી પાડવા મોબાઇલ એપની સુવિધા આપવાના છે. આ માટે ઝોન દીઠ રપ કોમર્શિયલ બિલ્ડિંગ મુજબ શહેરભરની કુલ ૧પ૦ કોમર્શિયલ બિલ્ડિંગની એન્ટ્રી અને એકિઝટ ગેટ પર સેન્સર મૂકવાની હિલચાલ આરંભાઇ છે. આમ તો શહેરમાં સંખ્યાબંધ કોમર્શિયલ બિલ્ડિંગ છે, પરંતુ તંત્રે જે બિલ્ડિંગમાં વાહનની એન્ટ્રી અને એકિઝટના સ્વતંત્ર ગેટ હોય તેવી બિલ્ડિંગને શોધવા માટેનો સર્વે હાથ ધર્યો છે. સર્વેના આધારે શોધી કઢાયેલી ૧પ૦ કોમર્શિયલ બિલ્ડિંગમાં સેન્સર મુકાયા બાદ આ બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી ઉપલબ્ધ થશે. જે તે વાહન એન્ટ્રી ગેટ પરથી પસાર થશે તે અગાઉ ગેટ પાસે આરસીસી વર્ક ધરાવતી લંબચોરસ જગ્યાની નીચે મુકાયેલાં સેન્સરથી વાહન પાર્કિંગ સમયની આપોઆપ નોંધણી થઇ જશે. આવી જ રીતે એકિઝટ ગેટથી બહાર મુકાયેલાં સેન્સરથી વાહનના નીકળવાનો સમય પણ આપોઆપ નોંધાશે. શહેરના સેન્ટ્રલ મોલ, ઇસ્કોન મોલ, આલ્ફાવન મોલ, હિમાલયા મોલ અને એક્રોપોલિસ મોલ એમ કુલ પાંચ મોલના એન્ટ્રી અને એકિઝટ ગેટ પર મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સેન્સર મૂકી દેવાયાં છે. આના કારણે જે તે મોલના સંચાલકને પોતાની પાર્કિંગ વ્યવસ્થાની વિસ્તૃત વિગત મળતી રહેતી હોઇ કમ સે કમ આ મોલના ગ્રાહકોને વાહન પાર્ક કરવાની કડાકૂટમાંથી રાહત મળી રહી છે. આ પાંચ ખાનગી મોલ ઉપરાંત તંત્રની માલિકીના રિલીફરોડ પરના પે એન્ડ પાર્ક, કાંકરિયા પે એન્ડ પાર્ક અને નવરંગપુરા પે એન્ડ પાર્ક એમ કુલ ત્રણ પે એન્ડ પાર્કમાં સેન્સર મુકાઇ ગયાં છે. દરમ્યાન ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ કહે છે કે અત્યારે કુલ આઠ સ્થળે રૂ.૧૩ લાખના ખર્ચે સેન્સર ગોઠવાયાં છે, જેનું મોનીટરીંગ પાલડીના નવા કન્ટ્રોલરૂમ ખાતે થઇ રહ્યું છે. ત્યારબાદ સ્માર્ટ ર્પાકિંગ પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને મોબાઇલ એપમાં પાર્કિંગને લગતી સઘળી જાણકારી પૂરી પડાશે. જે શહેરીજનો માટે બહુ ઉપયોગી અને ટ્રાફિક નિયમન માટે ઘણી મદદરૂપ બની રહેશે.


ધર્મેશ શાહ છેલ્લે પત્ની અને પુત્રીઓનું મોં જોઇ ન શકયા
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:39

અમદાવાદ,તા. ૨૩
જજીસ બંગ્લોઝ-બોડકદેવ વિસ્તારમાં આવેલ રત્નમ્‌ ટાવરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા બિલ્ડર દ્વારા રિવોલ્વર વડે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલી પોતાની પત્ની અને અને બે પુત્રીઓની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારી હત્યા કરવાના ચકચારભર્યા પ્રકરણમાં હત્યારા ધર્મેશભાઇ આજે તેમની પત્ની અને બે પુત્રીઓના અંતિમ સંસ્કાર વખતે પણ હાજર રહ્યા ન હતા. પરિવારને ખતમ કરવાના આઘાત કોઇને મોં બતાવી શકવાની સ્થિતિમાં ના હોઇ તેઓ સમાજની શરમે હાજર ના રહ્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આમ, ધર્મેશભાઇ છેલ્લી વખત પોતાની પત્ની અને પુત્રીઓનું મોં પણ જોઇ શકયા ન હતા. ધર્મેશભાઇના પત્ની અમીબહેન અને તેમની પુત્રી હેલી તેમજ દીક્ષાનાં થલતેજ સ્મશાન ખાતે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધર્મેશભાઈને અંતિમ સંસ્કારમાં હાજર રાખવા માટે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે તેઓને હાજર રાખવા માટે પમિશન પણ આપી હતી પરંતુ ધર્મેશભાઈ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા. ધર્મેશભાઇ સ્મશાનમાં પરિવારજનો અને પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. કાળજું કંપાવી દે તેવી બોડકદેવની હત્યાની ઘટનામાં મૃત્યુ પામેલાં અમીબહેન અને તેમની બંને પુત્રી હેલી અને દીક્ષાની આજે સવારે સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ફ્‌લેટના સ્થાનિક રહીશો જોડાયા હતા. થલતેજ સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોનાં અંતિમ સંસ્કારને લઇ ભારે ગમગીની અને શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ ચોધાર આંસુએ રડી પડ્‌યા હતા તેમજ ભારે હ્રદયે તેઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.


અમેરિકામાં નોકરીની લાલચમાં ડૉક્ટરે સાડા પાંચ લાખ ગૂમાવ્યા
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:39

અમદાવાદ,તા. ૨૩
શહેરના નરોડા-નિકોલ રોડ પર રહેતા અને ૧૦૮ ઇમર્જન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં કામ કરતા એક ડોક્ટરને અમેરિકાની કંપનીમાં રૂ.૧ કરોડના પગારની નોકરી મેળવવાની લાલચ ભારે પડી છે. અમેરિકામાં રૂ.એક કરોડના પગારની નોકરી મેળવવા જતાં ડોકટરે રૂ.૫.૫૭ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ડોકટરને અમેરિકામાં આટલા મોટા પગારની લાલચ અને માયાજાળમાં ફસાવી ઠગ ટોળકીએ રૂ.૫.૫૭ લાખનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ આખરે શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ઠગ ટોળકીની તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના નવા-નિકોલ રોડ પર આવેલા શ્યામવિલા-૩ બંગ્લોઝમાં રહેતા અને નરોડા ખાતે ૧૦૮ ઇમર્જન્સી સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા જયરાજભાઇ દેસાઇને તા.૩ જૂન ર૦૧૭ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેઓ જોબસીકર.ઇન પરથી વાત કરે છે. અમેરિકાની પ્રખ્યાત કંપનીમાં તેઓને આશરે એક કરોડ રૂપિયાના પેકેજ વાળી નોકરી અપાવશે, જે માટે તેઓને રૂ.૬,૯૦૦ ભરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન બાદ સ્કાઇપ એપ દ્વારા ઇન્ટરવ્યુ ગોઠવી નોકરી અપાવશે. એક કરોડના પેકેજવાળી નોકરીની લાલચમાં આપીને જયરાજભાઇએ વેબસાઇટમાં લોગ ઇન કરી અને ઇઝી પે દ્વારા રૂ.૬,૯૦૦ ભર્યા હતા. બાદમાં પ્રોફાઇલ વેરીફિકેશન, ઇન્ટરવ્યુ પ્રિપરેશન, સ્કાઇપ ઇન્ટરવ્યુ, રિફન્ડ અને સિક્યોરિટી ડિપોઝિટના નામે કુલ રૂ.પ.પ૭ લાખ પડાવી લીધા હતા. અલગ-અલગ બહાનાં હેઠળ જયરાજભાઇ પાસે ઠગ ટોળકીએ પૈસા પડાવ્યા હતા. વધુ રૂપિયાની માગ કરતાં રજિસ્ટ્રેશન વખતે આવી વધારાની રકમની કોઇ જ વાત નહોતી થઇ અને રૂપિયા પરત માગતાં ગલ્લાં તલ્લાં કરવામાં આવ્યાં હતા,


હજ ૨૦૧૮ : હજની બાકી રકમ ભરવાની મુદ્દત પ જૂન લંબાવાઈ
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:38

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૩
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત હજયાત્રાએ જનારા પ્રોવિઝનલી સિલેક્ટ થયેલા હજ અરજદારો માટે બીજા હપ્તાની રકમ ભરવાની મુદ્દત ૨૩/૫/૧૮ હતી તે વધારીને ૫/૬/૧૮ કરવામાં આવી છે. હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી તથા અન્ય કારણોસર અસંખ્ય હજ અરજદારો છેલ્લા દિવસ સુધી તેમના હપ્તાના નાણાં સમયસર ભરી શક્યા નથી. આથી પ્રોવિઝનલી સિલેક્ટ થયેલા હજ અરજદારો તેમના હપ્તાની રકમ તા.૫/૬/૧૮ સુધી ભરી શકશે. આ ઉપરાંત વેઈટીંગ લિસ્ટના પ્રોવિઝનલી સિલેક્ટ થયેલા હજ અરજદારોએ રૂા.૮૧૦૦૦ ભરી દેવા જેથી તેમની સીટ કન્ફર્મ થઈ શકે એમ ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો.મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે.


હાર્દિકે ફૂલહાર પહેરાવ્યા તે સરદારની પ્રતિમાને સાંસદે ગંગાજળથી સાફ કરી
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:37

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
સરદાર પટેલના વતન કરમસદ ખાતે ગઈકાલે પાસના કન્વિનર હાર્દિક પટેલે મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા હતા. જેને લઈને હાર્દિક પટેલનો હાથ અડતા સરદાર પટેલની પ્રતિમા અપવિત્ર થઈ હોવાની લાગણી સાથે આજે આણંદના સાંસદ દિલીપ પટેલ અને ભાજપના કાઉન્સિલરોએ સરદાર પટેલની પ્રતિમા ગંગાજળ અને દૂધથી ધોઈને પવિત્ર કરી હતી અને હાર્દિક પટેલે સરદારના ગામમાં આવી સરદારની ગૃહની મુલાકાત નહીં લઈ સરદારનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરદાર પટેલના વતન કરમસદ ખાતે માટી કૌભાંડના વિરોધમાં સાત દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરેલા કોંગ્રેસના કાઉન્સિલરોની મુલાકાતે ગઈકાલે પાસના કન્વિનર હાર્દિક પટેલ આવ્યા હતા અને તેઓએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા અને ત્યારબાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સરદાર પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ દ્વારા હાથ અડાડવાના કારણે સરદારની પ્રતિમા અપવિત્ર થઈ હોવાની લાગણી સાથે આજે બપોરે આણંદના સાંસદ દિલીપ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોએ સરદાર પટેલની પ્રતિમા પર દૂધ અને ગંગાજળનો અભિષેક કરી દૂધ અને ગંગાજળ દ્વારા પ્રતિમાને ધોઈને પવિત્ર કરી હતી. આ અંગે સાંસદ દિલીપ પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા સરદારની પ્રતિમાને હાથ અડાવી સરદાર જેવા દિગ્ગજ અને લોખંડી પુરૂષની પ્રતિમાને અપવિત્ર કરી છે. જેને લઈને આજે દૂધ અને ગંગાજળથી પ્રતિમાને ધોઈ પવિત્ર કરવામાં આવી હતી તેમજ સમાજમાં ભાગલા પડાવવાનો દુષ્કૃત્ય આચરતા હાર્દિક પટેલે સરદાર પટેલના નામે પોતાની રાજકીય રોટલી સેકી છે. પરંતુ સરદારના વતનમાં આવી હાર્દિક પટેલે સરદાર પટેલ ગૃહની મુલાકાત નહીં લઈ સરદારનું અપમાન કર્યું છે.


ધોળકામાં દલિતો અને દરબારો વચ્ચે ઘર્ષણ તોડફોડ અને લૂંટના બનાવો : એસ.આર.પી. તૈનાત
Source:  GUJARAT TODAY
Thursday, 24 May 2018 00:34

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ર૩
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક દલિત યુવકે ફેસબુક એકાઉન્ટમાં પોતાના નામની પાછળ “સિંહ” શબ્દ લખતા દરબારોએ ઉશ્કેરાઈને ગત સાંજે આ દલિત યુવક ઉપર હુમલો કરતા દલિત અને દરબારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક એક્ટીવા, એક બાઈક તથા અન્ય ચીજ વસ્તુઓને ટોળા દ્વારા તોડફોડ કરાઈ હતી. એક દલિત પ્રૌઢના માથામાં પાઈપથી હુમલો કરાયો હતો. સોનાની ચેઈન, મોબાઈલ અને મંગળસૂત્રની લૂંટ કરાઈ હતી. હાથમાં હથિયારો સાથે ટોળા નીકળતા રાત્રે વાતાવરણ તંગ થઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા ધોળકા ટાઉન, ધોળકા ગ્રામ્ય ઉપરાંત કોઠ, બગોદરા, બાવળા પોલીસની ટીમો ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી સ્ટાફ ઉપરાંત એસ.આર.પી.ની પ્લાટૂન ધોળકામાં ખડકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ (ગ્રામ્ય)ના એસપી આર.વી. અસારી પણ ધોળકા દોડી આવ્યા હતા. દલિતોએ ધોળકા પોલીસ મથકમાં ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે જુદી-જુદી ત્રણ પોલીસ ફરિયાદો ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
ધોળકા પોલીસ મથકમાં મૌલિકભાઈ ચંદુભાઈ જાદવ (રહે. શાંતિકૂંજ સોસાયટી મુજપુર રોડ, ધોળકા)એ આરોપીઓ (૧) સહદેવસિંહ વાઘેલા (ર) યશપાલસિંહ તથા બીજા ચાર જણાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં દર્શાવાયું છે કે, ફરિયાદી મૌલિક પોતાનું મોટરસાઈકલ લઈને પેટ્રોલ પુરાવવા જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી મારક હથિયારો સાથે સફેદ કલરની ગાડી દ્વારા મૌલિકનો પીછો કરી ઓવરટેક કરી ગાળો બોલી તારે “સિંહ” થવું છે તથા જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી મૌલિકની ફેંટ પકડી આરોપી નંબર-૧એ લાફો માર્યો હતો. જ્યારે ધોળકા પોલીસ મથકમાં આ બનાવ સંદર્ભે બીજી એફઆઈઆર પરેશભાઈ પોપટભાઈ જાદવ (રહે. વિનાયક સોસાયટી, મુજપુર રોડ, ધોળકા)એ નોંધાવી છે. તેમાં આરોપીઓ તરીકે (૧) સહદેવસિંહ (ર) જયપાલસિંહ (૩) સિદ્ધરાજ (૪) બાલી તલાટી (પ) વિજય પ્રદ્યુમનસિંહ પરમાર તથા બીજા ત્રણ ઈસમોને દર્શાવાયા છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયોમાં ફરિયાદીના ઘરે આવી મૌલિક ક્યાં ગયો જાતિ વિષયક અપશબ્દો બોલી સહદેવસિંહે ફરિયાદીના પિતાજીના માથાના ભાગે પાઈપ મારી હતી. આરોપી નં. રએ લાકડીઓ મારેલ, આરોપી નં. ૩,૪,પ તથા બીજા ત્રણેએ ફરિયાદી તથા તેની પત્ની તથા દીકરાને મારી મારી ઈજા કરી ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂા. ૩૦,૦૦૦ તથા ફરિયાદીની પત્નીના ગળામાંથી સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર કિંમત રૂા. ૯૦ હજાર મળી કુલ રૂા. ૧.ર૦ લાખની મતાની લૂંટ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી ગુનો કરેલ. જ્યારે આ બનાવ સંદર્ભે ધોળકા પોલીસ મથકમાં ત્રીજી ફરિયાદ ધીરજબા મહીપતસિંહ વાઘેલા (રહે. દેવતીર્થ સોસાયટી, કોલેજ સર્કલ પાસે, ધોળકા)એ નોંધાવી છે. જેમાં આરોપીઓ તરીકે (૧) ભરતભાઈ જાદવ (ર) પરેશભાઈ જાદવ (રહે.વાલથેરા) (૩) કેતન બળવંતભાઈ મકવાણા (રહે.ધોળકા) તથા બીજા પ૦ માણસનું ટોળુ દર્શાવ્યું છે. આ ફરિયાદમાં દર્શાવાયું છે કે, આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હાથમાં પાઈપો, ધારિયા, લાકડીઓ લઈ ફરિયાદીના ઘરે આવી ક્યાં ગયો તમારો સહદેવસિંહ બોલી ઘરમાં ઘૂસી જઈ ફરિયાદી તથા સાહેદને ગડદાપાટુનો માર મારેલ. તિજોરી, અન્ય સાધન સામગ્રી, બાઈક, એક્ટીવાની તોડફોડ કરી હતી. પ્રીતિબાના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂા. રપ હજાર, પ્રકાશબાનો મોબાઈલ કિંમત રૂા. ૧૦ હજાર મળી કુલ રૂા. ૩પ,૦૦૦ની મતાની લૂંટ કરી ગુનો કરેલ. હાલ આ ઘટનાના પડઘા ના પડે તે માટે ધોળકા ટાઉન પીઆઈ એલ.બી. તડવીએ સંવેદનશીલ વિસ્તારોમાં એસ.આર.પી.ના જવાનોના પોઈન્ટ ગોઠવી દીધા છે તથા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


<< < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > >>